૭૨મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ

12

Get real time updates directly on you device, subscribe now.

  • ૭૨મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ
  • સ્વરાજ માટે બલિદાન આપનારા શહિદોનું સપનું સુરાજ્યની સ્થાપના દ્વારા સાકાર કરીએ : ‘લીવ ફોર ધ નેશન’ સૂત્ર અપનાવીએ
  • સર્વગ્રાહી વિકાસ એ જ સુરાજ્યની સાચી દિશા : સામાજિક સમરસતાથી સાડા છ કરોડ ગુજરાતીઓ એક બને
  • ગુજરાતે છેલ્લા ૨૨ વર્ષથી સાતત્યપૂર્ણ અને સ્થિર શાસનથી વિકાસના નવા આયામ હાંસલ કર્યા છે
  • ગુજરાતે કંડારેલી પંચામૃત આધારિત વિકાસ કેડીને વિકાસનો ઘોરીમાર્ગ બનાવવા સરકાર કૃતનિશ્ચયી
  • વેસ્ટ વોટર રીસાયકલ-રીયુઝની નીતિથી રાજ્યના નગરો-મહાનગરો સ્વચ્છતાના પ્રતિક બનશે
  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપતું ગુજરાત હવે સૂર્ય ઊર્જાથી ખેડૂતોને વધુ આર્થિક સંપન્ન બનાવશે
  • પ્રજાભિમુખ સરકાર : સેવા સેતુ કાર્યક્રમના ત્રણ તબક્કામાં ૧ કરોડથી વધુ જન સમસ્યાનું નિવારણ : ૨૪ ઓગસ્ટથી ચોથા ચરણનો પ્રારંભ
Related Posts
1 of 237

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૭૨માં સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી-અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. પરાધિનતામાંથી આપણને સ્વાધિન બનાવ્યા. આઝાદીના લડવૈયાઓએ ‘ડાય ફોર ધ નેશન’ સૂત્ર અપનાવ્યું હતું. તેમના પગલે આપણને આઝાદી મળી અને હવે આપણે સ્વરાજ્યમાંથી સુરાજ્ય તરફ જવા ‘લીવ ફોર ધ નેશન’ સૂત્રને આત્મસાત કરવું પડશે.. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ..

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પ્રજાજનોને આપેલો સંદેશો અક્ષરસ : નીચે મુજબ છે.

વ્હાલા નાગરિક ભાઇઓ-બહેનો…

આઝાદી પર્વની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ.

દેશ જ્યારે આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના લડવૈયાનું સ્મરણ સ્વાભાવિક જ થઇ જાય છે. સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી-અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. પરાધિનતામાંથી આપણને સ્વાધિન બનાવ્યા. દેશ માટે મરી ફિટનારા એ સૌને નમન કરવાનો આ આઝાદી પર્વનો ઉત્સવ છે.

આપણા માટે ગૌરવની બાબત એ છે કે આઝાદીના શિરમૌર એવા બે મહાન વ્યક્તિત્વ મહાત્મા ગાંધી-સરદાર સાહેબ ગુજરાતની ભૂમિના સંતાન હતા. સ્વરાજ્ય માટે તેઓ ખપી ગયા. સંઘર્ષ કર્યો અને એ સંઘર્ષ યાત્રાની સફળતાએ ૧૯૪૭માં આપણને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશે સ્થાન અપાવ્યું.

ભાઇઓ-બહેનો, આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે જેણે ના તો ગુલામી જોઇ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના છે. ગુલામીની વાત આજે પણ સાંભળીએ છીએ ત્યારે કાળજુ કંપી જાય છે.

આઝાદીનું શું મહત્વ હોય એ ત્યારે આપણને સમજાય છે. સ્વરાજ્ય-આઝાદી માટે ખપી જનારા ભારત માતાના સપૂતોના બલિદાન-ત્યાગ રાષ્ટ્રપ્રેમ, ફનાગીરી આજે પણ આપણને ગુલામીના કાળખંડની કાલિમા તાજી કરાવે છે. એ સપૂતોએ આપણને સ્વરાજ્ય અપાવ્યું સ્વતંત્રતાનો અધિકાર અપાવ્યો પરંતુ કમનસીબે આઝાદીની સાથે આ અધિકાર ભાવનો અતિરેક થતો ગયો. રાષ્ટ્ર માટે-દેશ માટે- સમાજ માટેનો કર્તવ્યભાવ ધીરે ધીરે લોપ થવા લાગ્યો અને એટલે સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્યનું સપનું સાકાર ન થઇ શકયું.

મિત્રો, કોઇ પણ લોકશાહી, કોઇ પણ વ્યવસ્થા, કોઇ પણ પ્રજા જીવન કયારેય કર્તવ્ય ભાવ વગર આગળ ધપી જ ન શકે. શું આપણને નથી લાગતું? જે મહાપુરૂષોએ સ્વરાજ્ય માટે સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા એમના બલિદાનની ગાથાને સુરાજ્યની યાત્રાથી ઊજાગર કરવામાં અત્યાર સુધી કોઇને કોઇ ઉણપ રહી હોય. એટલે જ કહેવાતું હતું કે ‘ડાય ફોર ધ નેશન’ અને ‘લીવ ફોર ધ નેશન’

ભાઇઓ-બહેનો, જેમ સ્વરાજ્યની લડતમાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી-સરદાર સાહેબે નેતૃત્વ કર્યું. તેમ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાની વિકાસયાત્રાનું નેતૃત્વ પણ આપણી ગુર્જરભૂમિના સંતાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં જનતા જનાર્દનના આશીર્વાદ અને સમર્થનથી-વિશ્વાસથી છેલ્લા રર વર્ષથી સતત સાતત્યપૂર્ણ અને સ્થિર શાસનથી આપણે વિકાસના નવા બેન્ચમાર્ક સર કર્યા છે.

માત્ર, સત્તામાં રહેવું કે સરકાર ચલાવવી એવા સિમીત ઉદેશથી નહિ, પરંતુ જન-જનનો વિકાસ દરેકની સુખાકારીની ખેવના માટે આ સરકાર કર્તવ્યરત છે. શોષિત, પીડિત, વંચિત, ગરીબ, ખેડૂત, ગ્રામીણ, યુવાનો-માતા-બહેનો હરેકને સમાજના દરેક તબક્કાને વિકાસના સમાન અવસર આપણે આપ્યા છે.

 શિક્ષણ હોય-આરોગ્ય હોય-સામાજીક સમરસતા-શાંતિ સલામતિ હોય કે જનશક્તિના સહયોગથી, પછી ભલે જળસંચય હોય ગુજરાતે હંમેશા દેશને નવતર રાહ ચીંધ્યો છે.

આજે ૭રમા સ્વાતંત્ર્ય પર્વે ગૌરવ સાથે કહી શકીયે છીયે કે, ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ એ આપણે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ભાઇઓ-બહેનો, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વાંગી વિકાસની બુનિયાદ શક્તિ પંચામૃત આધારિત વિકાસની કેડી કંડારી છે.

ગુજરાતમાં એમના જ પદચિન્હો પર ચાલીને આપણે એ પંચશક્તિને નવી દિશા આપી છે.

કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવને પરિણામે ૧૦૦ ટકા નવા નામાંકન તથા ડ્રોપ આઉટ રેઇટ શૂન્ય પર લઇ જવા સંકલ્પબદ્ધ છીયે. શિક્ષણની ગુણવત્તા સુધારવા શરૂ કર્યુ છે-ગુણોત્સવ અભિયાન અને મિશન વિદ્યા અભિયાન પણ આપણે છેડ્યું છે. બાળકોને  લેખન-ગણન-વાંચનમાં સક્રિય કરવા એ તેનો મુખ્ય ઉદ્દેશ છે.

પ્રાથમિક શાળાના વર્ગખંડોને આપણે બનાવ્યા વર્ચ્યુઅલ કલાસરૂમ. પામટોપ- અને ટેબલેટ દ્વારા જ્ઞાનકુંજના સંકલ્પ સાથે આગળ વધારી વર્ગખંડોને વર્ચ્યુઅલ ક્લાસીસ બનાવ્યા છે.  ધો.૧૦-૧ર પાસ થઇને કોલેજોમાં ડિગ્રી-ડિપ્લોમા અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને આંગળીને ટેરવે વિશ્વના જ્ઞાનનો ભંડાર ખોલી આપવા-૩.પ૦ લાખ યુવાનોને નમો ટેબ્લેટ આપીને આપણે જ્ઞાનનો ભંડાર ખોલી દીધો છે.  આપણો યુવાન દૂનિયાની સાથે આંખમાં આંખ મિલાવી આગળ વધે એ દિશામાં આપણે એમને આત્મનિર્ભર કરી રહ્યા છીએ.

રાજ્યની કોલેજોના કેમ્પસને વાઇ-ફાઇ બનાવ્યા છે. ૧ લાખ યુવાનોને હુન્નર કૌશલ્ય તાલીમ સાથે રોજગાર અવસરો આપવા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના શરૂ કરી છે અને એના માધ્યમથી આગામી દિવસોમાં સ્કીલ પ્રાપ્ત કરીને નોકરીઓ મેળવી શકે તેમ છે.

સ્વતંત્રતાના આંદોલનમાં ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજીએ જન-જનને જોડી એ ચળવળને લોક ચળવળ બનાવી અને અંગ્રેજ હકૂમતના હાંજા ગગડાવી નાખ્યા. જનશક્તિની તાકાત આપણે દેખાડી  છે.

એવી જ જનશક્તિની પ્રચંડ તાકાતને આપણે જળશક્તિ સાથે જોડીને બેયના સમન્વયથી ગુજરાતને પાણીદાર બનાવ્યું છે. સુજલામ સુફલામ જળ અભિયાન આપણે માસ મૂવમેન્ટ તરીકે ગુજરાતની જનતાએ અને ૧૮ હજાર ગામોએ એ સાબિત કરી બતાવ્યું છે કે જનશક્તિની તાકાત શું છે…?

આ અભિયાનમાં રાજ્યના ગામો-નગરો-શહેરોના હરેક વ્યકિતએ યતકીંચીત યોગદાન આપ્યું.

જનશક્તિના પુરૂષાર્થની પરાકાષ્ટા કરી કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને તળાવો ભરવાના સંકલ્પ સાકાર કર્યા અને ૧૮૦૦૦ થી વધુ તળાવો, ચેકડેમ, ઊંડા કર્યા. ૮૦૦ લાખ માનવદિન રોજગારીનું આ કામો દ્વારા નિર્માણ થયું. અઢી લાખ કરતા વધુ શ્રમિકોને રોજી-રોટી આપી શકયા.

આવનારા દિવસોમાં જળશક્તિ દ્વારા સમૂચિત ક્રાંતિ લાવવા માંગીએ છીએ, અને પીવાના પાણીના સંદમાં દુષ્કાળ એ ભૂતકાળ બને અને વોટર સિકયુરિટી પણ પૂરી પાડવા આપની આ સરકાર સંકલ્પબદ્ધ છે.

જળશક્તિના સમુચિત વિનિયોગથી આપણે ગુજરાતમાં કૃષિક્રાંતિ લાવવી છે. સાથોસાથ ર૦પ૦ સુધી રાજ્યમાં પીવાના પાણીની કોઇ જ સમસ્યા ન રહે તેવી વોટર સિકયુરિટી પણ પૂરી પાડવા આપની આ સરકાર સંકલ્પબદ્ધ છે. વોટર સિકયુરિટી અને ઓછા પાણીએ કૃષિ ક્ષેત્રે સિંચાઇ માટે ઇઝરાયેલમાંથી આપણે પ્રેરણા લીધી છે. ઈઝરાયલની જેમ કૃષિ ક્ષેત્રે વોટર સિક્યુરિટી અને વન ડ્રોપ-મોર ક્રોપ ની રીતે પણ આપણે આગળ વધવું છે.

રાજ્યના મુખ્યમંત્રી તરીકે મેં પ્રથમ વિદેશ પ્રવાસ માટે ઇઝરાયેલ પર પસંદગી ઉતારી. તેનું કારણ એ છે કે ઈઝરાયલે કૃષિમાં ક્રાંતિ કરી છે. પાણીના મેનેજમેન્ટમાં પણ ક્રાંતિ કરી છે. દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કર્યા છે.  ઇઝરાયેલના એ સફળ પ્રયોગો આપણે ગુજરાતની ધરતી ઉપર ઉતારવા છે.

Also You like to read
1 of 32

આપણે શ્રી નરેન્દ્રભાઇના મંત્ર ‘પર ડ્રોપ-મોર ડ્રોપ’થી માઇક્રો ઇરીગેશન તો અપનાવ્યું જ છે.  પ્રિસિઝન ફાર્મીંગની ટેકનોલોજી અને ડ્રીપ ઈરિગેશન તથા આખી માઈક્રો પ્લસ સિસ્ટમ અને ફાર્મિંગ દ્વારા એક એક પાંદડા અને એક એક છોડમાંથી વધુ પાક ઉત્પાદન કેવી રીતે થાય તેના સફળ પ્રયોગો ઈઝરાયલ પાસેથી શીખીને ગુજરાતમાં સફળ પ્રયોગ કરવા આપણે સમજુતિ કરી છે.

જોડીયામાં આવો પ્લાન્ટ રૂ. ૯૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે, ટેન્ડર ફાઈનલ થઈ ગયા છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, ટુંકમાં કામ શરુ થશે.

વેસ્ટ વોટર રિ-સાયકલ અને રિયુઝની નીતિ આ સરકારે ઘડી છે-તેના પરિણામે નગરો-મહાનગરોમાં ગંદા પાણીનું શુદ્ધિકરણ કરીને તેનો પુન: વપરાશ ખેતીમાં – ઉદ્યોગોમાં કરવાની દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ.

પાણીના કરકસરપૂર્વકના ઉપયોગ અને રાજ્યના ધરતીપુત્રોના પરિશ્રમના પ્રસ્વેદથી ગુજરાતે કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટે પહોચાડયો છે. ર૦રર સુધીમાં દેશના કિસાનની આવક બમણી કરવાના વડાપ્રધાનના ધ્યેયને સાકાર કરવા આપણે આગળ આવવું છે.

ખેડૂતોને ૦ ટકા વ્યાજે ધિરાણ આપનારી આ ખેડૂત હિતલક્ષી સરકાર છે. વ્યાજના ખપ્પરમાં ખેડૂત હોમાઈ ન જાય એ માટે કાસ તકેદારી રાખી છે. મગફળી, રાયડો, ચણા, જેવા પાકોમાં બજારભાવ નીચા હોઈ ટેકાના ભાવે કરોડો રૂપિયાની ખરીદી કરી છે. ગુજરાતમાં તેનો રેકોર્ડ આપણે પ્રસ્થાપિત કર્યો છે. ખાતર વિતરણમાં પારદર્શીતા, વેચાણ માટે POS મશીન, ડિઝીટલી પેમેન્ટ અને ખેતમંડળીઓનું ઓનલાઇન વેચાણ જોડાણ જેવા કૃષિ હિતકારી પગલાં આપણે લીધા છે. પૂરતું પાણી-ખાતર અને વીજળી આપી જગતના તાતને સમૃદ્ધ બનાવવાની આ સરકારની નેમ છે.

ર્જા શક્તિમાં પણ આપણે ક્રાંતિ અને પરિવર્તન લાવી રહ્યા છીએ. વિકાસનો મુખ્ય આધાર ખેતી, પાણી અને વીજળી જ છે એમાં કોઇ બે મત ન હોઇ શકે. ખેડૂતને વીજળી-પાણી મળે તો દૂનિયાની ભુખ ભાંગવાની તાકાત ખેડૂતમાં છે. આ સરકારે ઊર્જાશક્તિના મહત્વને પિછાણ્યું છે-અને ર૪ કલાક વીજળી જ્યોતિગ્રામ યોજનામાં આપીને ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટ કરી છે.

ગુજરાત એવો પ્રદેશ છે જ્યાં મહત્તમ સૂર્યપ્રકાશ મળતો રહે છે. સૂર્યશક્તિથી વીજ ઉત્પાદનમાં ગુજરાતે ચારણકામાં સોલાર પાર્ક–અને હવે ધોલેરામાં વિશ્વના સૌથી મોટો સોલાર પાર્ક નિર્માણ કરી રહ્યા છીએ. આ સરકારે રાજ્યના ધરતીપુત્રોને પણ પોતાના ખેતરમાં સૂર્ય ઊર્જા ઉત્પન્ન કરી તેનાથી સિંચાઇ માટે ઓટોનોમસ બનાવવા અને વધારાની વીજળી ખેડૂત વેચી શકે તે માટે પહેલરૂપ અભિગમ અપનાવ્યો છે.

સૂર્યશક્તિ કિસાન યોજના-સ્કાય યોજનાથી આપણે ખેડૂતને એક પંથ દો કાજ જેવી સવલત કરી આપી છે. પોતાની વીજળી પોતે ઉત્પન્ન કરી અને પોતે વેચે તેવો ધ્યેય રાખ્યો છે. મફત વીજળી  નહી પરંતુ ખેડૂતને વીજળીમાંથી પૈસા મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. ૧૩૭ ફીડર પર પાયલોટ પ્રોજેક્ટ બનાવીને આવનારા દિવસોમાં ૧૫ હજાર ખેડૂતોને લાભ આપવાના છે અને સાથે સાથે સમગ્ર રાજ્યના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા છે.

આજે સ્વતંત્રતાના ૭૧ વર્ષ પૂરાં થઇ રહ્યા છે. આ સાત દાયકામાં ભારત માતા અને ગુર્જર ધરાએ અનેક પડકારો-ચેલેન્જનો સામનો સફળતાથી કર્યો છે. ગુજરાતે આફતને અવસરમાં પલટાવવાની ખૂમારી બતાવી છે. શાંતિ, સલામતી, સૌહાર્દ અને સામાજીક સમરસતાને હંમેશા અહેમિયત આપી છે. સામાન્ય માનવી-ગરીબ-પીડિત-શોષિત વંચિત હરેકનું રક્ષણ થાય કોઇ રંજાડ કે કનડગત ન થાય-તે માટે આપણે સુરક્ષિત ગુજરાતનો મંત્ર અપનાવ્યો છે. ભ્રષ્ટાચાર-ગુંડાગર્દી-અરાજકતા-ગૂનેગારોને આપણે કડક હાથે નશ્યત પહોંચે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. માતા-બહેનો-બાળકો સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે ઝિરો ટોલરન્સની નીતિ અપનાવી છે.

રાજ્યના નગરોને સીસીટીવી નેટવર્કથી સજ્જ કરીને ગૂનેગારો પર બાજ નજર રાખવાનો ૩પ૦ કરોડનો પ્રોજેકટ આપણે ઉપાડયો છે. ગૂનેગારોનો ડેટા એક સાથે મોબાઇલ ફોનમાં પોલીસ બેડાને ઉપલબ્ધ કરાવવા પોકેટ કોપ શરૂ કર્યું છે. પાંચ હજાર પોલીસ જવાનોને આ માહિતીથી સુસજ્જ કરીને ગુના અટકાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

 ભ્રષ્ટાચાર સામે પણ સરકારે લાલ આંખ કરી છે. એ.સી.બી ને વધુ મજબૂત બનાવ્યું છે અને નવી ટેકનોલોજીનો સતત ઉપયોગ કરીને ઓન લાઈન વ્યવસ્થા બનાવીને ભ્રષ્ટાચાર સામેની લડત શરુ કરી દીધી છે અને એમાં ચોક્કસ સફળતા મળવાની આશા છે. હવે કયાંય પણ કોઇને એક પાઇ-પૈસો લાંચરૂશ્વત તરીકે આપવો પડતો નથી એવી સુદ્રઢ સ્થિતિ ઊભી કરી છે.

લોકશાહીમાં પ્રજાનો અવાજ સર્વોચ્ચ હોય છે. પ્રજાના પ્રશ્નોને તેના ઘર આંગણે જઇને ઉકેલવાની પ્રતિબદ્ધતા આ સરકારે સેવાસેતુથી દર્શાવી છે. નાના નાના ૫-૭ ગામોના ક્લસ્ટર બનાવીને ગામના લોકોના જે પ્રશ્નો હોય, દાખલા જોઈતા હોય, સાત બારમાં નોંધ ચડાવવાની હોય, મા અમ્રુતમ-વાત્સલ્ય કાર્ડ કઢાવવાનું હોય તો સરકાર પોતે જ ગામડાઓમાં જઈ સ્થળ પર સેવા ઉપલબ્ધ કરે છે. આવા સેવાસેતુના ૩ તબક્કામાં ૧ કરોડથી વધુ જનસમસ્યાઓનું નિવારણ થયું છે. પ્રજાપ્રિય સરકાર-પ્રજાની પોતીકી સરકારના મંત્ર સાથે હવે આગામી ર૪ ઓગસ્ટથી સેવાસેતુનું ચોથું ચરણ આપણે શરૂ કરવાના છીયે.

પ્રજાજીવનને સ્પર્શતા રાજ્ય સરકારના વિભાગોની કાર્યપધ્ધતિ-ગતિવિધીનું સતત મોનિટરીંગ સી.એમ. ડેશ બોર્ડ દ્વારા કરવાની પહેલ આપણે કરી છે. લગભગ ૩ હજારથી વધુ ઈન્ડિકેટર નાંખીને તમામ વિભાગોને આવરી લઈ અહીં બેઠા આખી સરકાર તમામ વિભાગો શું કામ કરી રહ્યા છે તેનું દિશા નિર્દેશ અને માર્ગદર્શન આપી રહ્યા છીએ. સરકારી વિભાગો-તંત્ર હવે જવાબદેહ બન્યા છે-રિયલ ટાઇમ મોનિટરીંગથી સમસ્યાઓનું સમાધાન નિશ્ચિત સમયાવધિમાં થઇ જાય છે.

૨જી ઓકટોબર, ૨૦૧૮થી ૧૫૦મી ગાંધી જ્યંતિ આપણે ઉજવી રહ્યા છીએ. ગાંધી અને ગુજરાત એક બીજાના પર્યાય છે. સ્વરાજ્યના પુરસ્કર્તા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ આ વર્ષે દેશ આખો મનાવશે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી લઇને કર્મભૂમિ સાબરમતી-કોચરબ આશ્રમ, રાજકોટમાં ગાંધીજીનો અભ્યાસ અને દાંડી તેમના જીવન કવનમાંથી આજીવન પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.

ગુજરાતે પોતાની ધરતીના સંતાન આ મહામાનવની દોઢસોમી જન્મ જયંતિ સામૂહિક સ્વચ્છતા સફાઇ, પ્રાર્થના, સામાજીક સમરસતા, અહિંસા, ખાદી, સ્વાવલંબનતા જેવા ગાંધી મૂલ્યોના પ્રચાર-પ્રસાર સાથે અનોખી ઢબે ઉજવવાનો નિર્ધાર કર્યો છે. ગાંધીજી આજના સમયમાં પણ પ્રસ્તુત છે. ગાંધી વિચાર સિવાય ઉકેલ નથી.

૩૧ ઓકટોબરે સરદાર પટેલના જન્મ દિવસે વિશ્વની સૌથી ઉંચી ‘સટેચ્યુ ઓફ યુનિટી’-પ્રતિમાનું લોકાર્પણ કરાશે. ૫૬૦ રજવાડાઓને જોડીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલની શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને શ્રાદ્ધાંજલિ આપી છે.

સ્વરાજ્યને સુરાજ્યની યાત્રામાં પલટાવવાનો આપણે પુરૂષાર્થ તેમાં સોનામાં સુગંધ જેમ ભળશે.

સુરાજ્ય-સુશાસનની દિશા કેવી હોય તે ગુજરાતે દેશ-દુનિયાને દર્શાવ્યું છે. જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. વિશ્વમાં, વાઈબ્રન્ટ એ ગુજરાતની ઓળખ બની છે.  જે પ્રતિ વર્ષ નવી ઉંચાઈ સર કરે છે. આ વખતે વાઈબ્રન્ટની થીમ ‘શેપિંગ ન્યુ ઈન્ડિયા’ છે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ કરવા આપણે માંગીએ છીએ. નવી પેઢી ઉદ્યોગોમાં આવી છે તેમને વાઈબ્રન્ટ દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં જોડવા માંગીએ છીએ.

રાજ્યમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ, બ્રાસ ઉદ્યોગ, મશીન-પંપ જેવા ઉદ્યોગકારોને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તેવો ઉદ્દેશ છે. એટલું જ નહી પરંતુ ઓટોહબ અને એક્ઝીલરી દ્વારા લાખો લોકોને રોજગારી મળે તેવો પણ ધ્યેય છે. એફ.ડી.આઈ માં પણ ગુજરાત સર્વ શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે.

આ વખતે ધોલેરાને પણ શો કેસ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સિંગાપોરની જેમ ધોલેરા પણ વિકસશે અને ગિફ્ટ સિટી માટે પણ તક છે. વિશ્વભરના રોકાણકારોને આ લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી, ગાંધી-સરદાર-મોરારજીભાઇ-નરેન્દ્રભાઇ મોદીની જન્મભૂમિ એક નવી તક પૂરી પાડશે. ગુજરાતના વૈશ્વિક વિકાસના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરશે.

ભાઇઓ-બહેનો, વિકાસની રાજનીતિ અને ચહુદિશ વિકાસ આ સરકારનો ધ્યેય છે. પ્રત્યેક વ્યક્તિ-વર્ગ-સમાજને જોડવા છે. સર્વગ્રાહી વિકાસ એ જ સુરાજ્યની આપણી સાચી દિશા છે. સામાજિક સમરસતાથી સાડા છ કરોડ ગુજરાતીઓ એક બને, આપણી મહામૂલી આઝાદી પછી સ્વરાજ્ય અને પછી સુરાજ્ય મળ્યું છે . ભાવિ પેઢીનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.

૭રમાં સ્વાતંત્ર્ય પર્વે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીયે. જ્યાં છીયે ત્યાં દેશહિત-સમાજહિત-રાજ્યહિત માટે સદાસર્વદા કર્તવ્યબદ્ધ રહીશું. શાંતિ-સમરસતા અને વિકાસના માર્ગે ગુજરાતની પ્રતિષ્ઠા આગળ વધારીએ.

ભૂલ સે ભી મુખ મે જાતિ પંથ કી બાત ન હો, ભાષા પ્રાંત કે લીયે કભી ન રકતપાત હો,

આ રહી હૈ ચારો ઓર સે યહી પુકાર, હમ કરેંગે ત્યાગ માતૃભૂમિ કે લીયે અપાર…

નાતિ, જાતિ, વર્ગ-કોમ, ઊંચ-નીચ ગરીબ-તવંગરના કોઇ જ બંધન કે ભેદભાવ વગર સૌ મા-ભારતીના – ગુર્જર ધરાના સંતાન તરીકે આઝાદીને એક અને અખંડ રાખીએ.

ભવિષ્યની ભારતની પેઢીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા કટિબદ્ધ બનીએ એજ અપેક્ષા…

ફરી એકવાર આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત-જયહિન્દ. (જિતેન્દ્ર રામી)

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More