બાળક સમાજ અને દેશનું ભવિષ્ય
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે શ્રી સાર્વજનીક હાઇસ્કુલ મધ્યે આજરોજ મોરબી કલેક્ટરશ્રી જે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનો શાળા આરોગ્ય સપ્તાહનો કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઇ ચીખલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એમ. કતીરાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- મોરબી જિલ્લા કક્ષાનો શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ
- બાળક સમાજ અને દેશનું ભવિષ્ય છે
- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા

જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં સૌ બાળકોની તપાસણી થાય અને યોગ્ય નિદાન અને સારવાર કરવા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાએ જણાવ્યું હતું કે, બાળક સમાજ તેમજ રાષ્ટ્રનું ભવિષ્ય છે. બાળકોના ભવિષ્યની ચિંતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે પોતાના વકતવ્યમાં બાળકોના આરોગ્ય તપાસણી દરમિયાન બાળકોને અપાતી વિવિધ સુવિધાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓને પણ રાજ્ય સરકારના આ લાભદાયી કાર્યક્રમ હેઠળ પોતાના બાળકોની અચૂક તપાસણી થાય તે અંગેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એમ. કતીરાએ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભવોને આવકાર આપી ૪૫ દિવસ સુધી ચાલનારા આરોગ્ય તપાસણી કાર્યક્રમની રૂપરેખા આપી રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૨,૬૨,૨૫૨ જેટલા બાળકોની પ્રાથમિક આરોગ્યની તપાસણી કરી જરૂર જણાયે વધુ સારવાર આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભવોની ઉપસ્થિતિમાં શાળાના બાળકોની આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. ગત વર્ષે શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ખાખરેચી ગામના જ કાર્તિક વિકાસભાઇ ભોજવીયાને જન્મથી જ તાળવું નહોતું તે અંગેની સારવાર અને ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં થયું હતું. તે બાળકની માતાએ પોતાના બાળકની સારવાર રાજ્ય સરકારે કરી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને કઠપૂતળી તેમજ પપેટ શો ના માધ્યમથી આરોગ્યની કાળજી રાખવા અંગે આરોગ્યકર્મીઓ દ્વારા વિશેષ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ સાથે જ હાઇસ્કુલના પરિસરમાં અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ. સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ, A.D.H.O. ડી.બી. બાવરવા, R.C.H.O. વિપુલ કારેલીયા, Q.A.M.O. હાર્દિક રંગપરીયા, પ્રોગ્રામ ઓફિસર મનીષ જોષી, શાળાના આચાર્યશ્રી મારવાણીયા તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પંચાયતના પદાધિકારીઓ, હાઇસ્કુલ સ્ટાફ, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આરોગ્ય શાખાના શ્રી ગાંભવાએ કર્યું હતું. (ઘનશ્યામ પેડવા)
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.